Arsha Vidya

આ આધુનિક યુગમાં આપણે વિજ્ઞાનનો આભાર માનીએ છીએ કે તેના વડે આપણું બાહ્ય જીવન વધુ સરળ તથા સુવિધા ભર્યું બનેલ છે. અગાઉ કદી ઉપલબ્ધ નહોતી તેવી વસ્તુઓ આજે ઉપલબ્ધ બની છે. વાહન વ્યવહાર તથા સંદેશા વ્યવહારે જગતને ખૂબ નજીક લાવીદીધુંછે. આજે આપણે “ગ્લોબલ વિલેજના” નાગરિક બન્યા છીએ.

પરંતુ આ વિકાસની પ્રક્રિયામાં આપણું આંતરિક જીવન - આપણું મન વધુ ને વધુ જટીલ – ગુંચવાડાભર્યું બન્યુ છે. બાહ્ય વસ્તુઓથી છલકાતા જગત વચ્ચે વ્યકિત અજંપો અનુભવે છે. ન વર્ણવી શકાય તેવો તણાવ અનુભવે છે. ખૂબ સમય અને પૈસા ખર્ચીને, અતિ સંગ્રહ અને ઉપભોગ કર્યા પછી પણ જાણે કે થોડો સમય તણાવ મુક્ત થવાય તેવું લાગે પણ અશાંતિ – તણાવમાંથી કાયમી મુકિત કયાંય દેખાતી નથી.

આપણું જીવનધોરણ ઊંચુ આવેલુ જણાય પણ જીવનની ગુણવત્તા દિન-પ્રતિદિન નીચી આવતી જણાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરંતુ ગણતરનો – ડહાપણનો વ્યાપ વધેલો દેખાતો નથી. વ્યવસાયમાં તકો વધી પણ સ્પર્ધા અને સંઘર્ષ તીવ્ર બન્યા. બાળપણ થી જ જીવન સ્પર્ધાત્મક છે. બાળપણ એવો સમય છે કે બાળક સ્પર્ધા માટે તૈયાર જ નથી. જેને પરિણામે નકારાત્મક વિચારધારા, આત્મનિંદા , આત્મવિશ્વાસ નો અભાવ, ક્રોધ , ઇર્ષ્યા.... વગેરે નો જન્મ છે.

જગતના ચક્રને – કાળના ચક્ર ને આપણે ઉંધુ ફેરવી શકતા નથી. જગતને બદલી નથી શકાતુ. પણ હું મારા મનને વધુને વધુ સમર્થ – તાકતવર – દૃઢ બનાવી શકું જેના વડે જગતના બદલાતા પ્રવાહો – ઝંઝાવાતો સંબધોના તનાવ વચ્ચે હું પ્રસન્ન રહું - સ્વસ્થ રહું- સુખી રહું........

એ માટેની વિદ્યા એટલે આર્ષ વિદ્યા – જેમાં જીવન જીવવાની વિદ્યા છે. જીવનને શાતા ભર્યુ – સુખથી ભરપુર – નિરાંતમય બનાવવાની કળા બતાવેલી છે. જેમ અર્જુન ગીતાજીના શ્રવણથી પ્રસન્ન ચિતે કર્તવ્ય કર્મ બજાવે છે તેમ આપણે પણ કરી શકીએ. .જીવનના પડકારોનો સામનો કરી અર્જુંન ની જેમ બેઠા થઈ ધ્યેયસિદ્ધિ પ્રાપ્તિની કળા એટલે આર્ષ વિદ્યા.....